ભાવનગર રેલવે વર્કશોપના ઈન્સ્પેક્શન માટે આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જેમાં ખાસ કરીને ઈન્ટર રેલવે ટ્રાન્સફર, સીસીટીવી કેમેરા, પોરબંદર ટ્રેન શરૂ કરવા, ખાલી જગ્યા ભરવા અને સ્ટાફ માટે નવા ક્વાર્ટર બનાવવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી હતી.
વેસ્ટર્ન રેલવેના જી.એમ. અશોકકુમાર મિશ્ર શનિવારે ભાવનગર રેલવે વર્કશોપના નિરીક્ષણ માટે આવ્યા હતા. ત્યારે તેઓને મેમોરન્ડમ આપી વર્કશોપના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી કરાઈ હતી. જેમાં ખાસ કરીને અન્ય રેલ વર્કશોપને ઈન્સેન્ટિવ સ્કીમનો લાભ આપવામાં આવે છે, જ્યારે ભાવનગર વર્કશોપને ઈન્સેન્ટિવ ન આપી અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છો ? તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી ભરત ડાભી દ્વારા રેલ કર્મચારીઓને રહેવા માટે જર્જરીત ક્વાર્ટર હોય, તેના સ્થાને નવા ક્વાર્ટર બનાવવા, ઈન્ટર રેલવેમાં રિક્વેસ્ટ ટ્રાન્સફર માટેની કાર્યવાહી ઝડપી કરવા, દિવ્યાંગ કર્મચારીઓને રિક્વેસ્ટ ટ્રાન્સફરના આધારે વહેલી તકે રિલિવ કરવા, વર્કશોપ અને ડિવિઝનમાં ખાલી પડેલી જગ્યા ભરવા, રેલવે કોલોનીમાં ચોરી, ચીલઝડપ, મારામારી, દારૂના દૂષણને ડામવા માટે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ફીટ કરવા અને ભાવનગર-વેરાવળ-પોરબંદર ટ્રેન શરૂ કરવા તેમજ વર્કશોપના કર્મચારીઓ માટે રમત-ગમતનું મેદાન તથા ભાવનગર પરા રેલવે સ્ટેશન પાસે અંડર બ્રીજ બનાવવા અંગે જી.એમ. સાથે ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી હતી