ભાવનગર, તા.૧
ભારતીય ભૈતિકશાસ્ત્રી ડો. સી. વી. રામને સ્પેક્ટ્રોસ્કોપી ક્ષેત્રે બહુમૂલ્ય શોધ કરી હતી. દેશના વિકાસમાં વૈજ્ઞાનિકોના યોગદાનને ચિન્હિત કરવા ભારત દેશ દર વર્ષ ૨૮ ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” સ્વરૂપે ઉજવી રહેલ છે. આ ઉજવણી અંતર્ગત મારવાડી યુનિવર્સિટી, રાજકોટ દ્વારા “નેશનલ સાયન્સ સિમ્પોઝીયમ”નું આયોજન થયેલ, જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી ખાતે આવેલ લાઈફ સાયન્સ ભવનના માઇક્રો બાયોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ વિનર્સ અને રનર્સઅપ બંનેનો ખિતાબ હાંસિલ કરી ભવનનું તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનું ગૌરવ વધારેલ.
લાઈફ સાયન્સ ભવનના માઇક્રોબાયોલોજી વિષયમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી દિગીન ધંધુકિયા, વૈશાલીબા ચુડાસમાએ વિનર્સ એવોર્ડ જ્યારે તન્વી ભટ્ટ, ભૂમિ સુમરા અને પ્રિયંકા જોશીએ રનર્સઅપ એવોર્ડ “નેશનલ સાયન્સ સિમ્પોઝીયમ”ના પોસ્ટ ગ્રેજ્યુએટ પોસ્ટર પ્રેઝન્ટેશન શ્રેણીમાં મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન માટે મેળવેલ. આ સેમિનારના ભાગ લેનાર તેમજ એવોર્ડ જીતનાર તમામ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન ભવનના અધ્યક્ષ ડૉ.ભારતસિંહ ગોહિલ, માઇક્રોબાયોલોજી વિભાગની ફેક્લ્ટી ડો.મેધા પંડ્યા તથા નિકિતા ગોહિલ દ્વારા કરવામાં આવેલ.
જૂનાગઢ ખાતે પી.કે.એમ. કોલેજ ઓફ ટેકનોલોજી અને B.Ed અને B.Sc.. ભવન દ્વારા યોજાયેલ “જ્ઞાન વિસ્ટા ૨૦૨૩ નેશનલ સિમ્પોઝિયમ” માં નિકિતા ગોહિલે ફેક્લ્ટી શ્રેણીમાં દ્વિતીય ક્રમાંક મેળવેલ તેમજ લાઈફ સાયન્સ ભવનના બોટની વિભાગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થિની કુ. તૃપ્તિ સોલંકીએ પોસ્ટ ગ્રેજ્યુએટ શ્રેણીમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કરી ભવન તેમજ યુનિવર્સિટીને વધુ સિધ્ધિ પ્રદાન કરતા કાર્યકારી કુલપતિ ડૉ. એમ.એમ. ત્રિવેદી દ્વારા ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.