ગામડાની મોજ પર બાળકોએ ઉભી કરી ગામડાની આબેહૂબ પ્રતિકૃતિ
વર્તમાન ટેકનોક્રેટ યુગ અને વધતા જતા શહેરીકરણને કારણે ગ્રામ્ય સંસ્કૃતિ વિસરાતી જાય છે. નવી પેઢી ગ્રામ્ય રહેણીકરણી અને ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ વિષે અજાણ હોય છે. ત્યારે ઘરશાળા સંસ્થાના સ્થાપનાના 85 વર્ષમાં પ્રવેશ નિમિત્તે ઘરશાળા બાલમંદિર તેમજ અંગ્રેજી માધ્યમ દ્વારા ગામડાની મોજ થીમ પર બાળકો દ્વારા ગામડાની પ્રતિકૃતિનું આયોજન કર્યું હતું.
શાળાના પટાંગણમાં ખેતર અને તેમાં ચાડિયો, ગાર લીપેલી દીવાલો પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ચિત્રો, બળદગાડા, ચબૂતરો, ભરતકામની સજાવટ અને નાના નાના ભૂલકાઓ ગામડાના પહેરવેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાળાના બાળકોને વાલીઓ ઉપરાંત અન્ય શાળા તેમજ આગેવાનો અને નગરજનોએ પણ ગામડાની મોજ માણી હતી. બાળકો અને શિક્ષકો દ્વારા શાળાને ગામડાના સ્વરૂપમાં બદલાવી નાખી હતી. ઘરઘંટીના જમાનામાં હાથેથી જ દરણું દળવાની રીત પણ લોકોએ નિહાળી હતી. પ્લાસ્ટિક, કાચ અને સ્ટીલના વાસણોમાં ભોજન લેતા નવા જનરેશનને તાંબા પિત્તળના જુના વાસણો જોઈ નવાઈ લાગી હતી. ઘોડિયામાં ઝુલતા બાળકો અને ખાટલામાં આરામ ફરમાવતા ભાભની છટા પણ અલગ હતી.
ખરેખર શહેરમાં એક આબેહૂબ અદભુત ગામડું બાળકો દ્વારા ઉભુ કરતા લોકોએ પણ ગામડાની મોજનો આનંદ માણ્યો હતો. ઘરશાળા બાલમંદિર અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.