નવી દિલ્હી
કવાડ ગ્રુપની બેઠકમાં આતંકવાદના મુકાબલા માટે ધ્યાન કેન્દ્રીત કરવાનું નકકી કરવામાં આવ્યું છે અને ત્રાસવાદ વિરોધી વર્કીંગ ગ્રુપની રચના કરવાનું એલાન કરવામાં આવ્યુ હતું. કવાડમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત સામેલ છે. પાટનગર દિલ્હીમાં કવાડ નેતાઓએ જારી કરેલા એક સંયુક્ત નિવેદનમાં આતંકવાદી પ્રોપ્ટીના ઉપયોગની ટીકા કરવામાં આવી હતી. સાથોસાથ મુંબઈના 26/11ના હુમલા સહિત આતંકવાદી હુમલાઓ માટે જવાબદારી ફીકસ કરાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
સંયુક્ત નિવેદનમાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે આતંકવાદનો મુકાબલો કરવા કવાડ વર્કીંગ ગ્રુપની રચના કરવામાં આવે છે. આ વર્કીંગ ગ્રુપ આતંકવાદના નવા સ્વરૂપો, હિંસા અને હિંસક કટ્ટરવાદનો મુકાબલો કરવા એકબીજાને સહયોગ આપશે. આતંકવાદ ઝડપથી પ્રસરી રહ્યો છે. આતંકવાદીઓએ ટેકનોલોજીનો ઉપયોગ શરુ કરી દીધો છે. આતંકવાદીઓની ભરતી અને ત્રાસવાદી કૃત્યો માટે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત નાણા એકત્રીત કરવામાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.





