ભાવનગર
રશિયાથી ૫૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉં લઈને પાકિસ્તાન પહોંચેલું એમવી લીલા ચેન્નાઈ નામનું કાર્ગો જહાજ ભારતીય મૂળની વ્યક્તિની માલિકીનું અને વિશેષ ગૌરવની બાબત એ છે કે, આ જહાજના માલિક અનિલ શર્મા મૂળ ગુજરાતના અને તેમાં ભાવનગરના છે.
એક ભારતીય મૂળનો અને ખાસ તો ભાવનગરનો વ્યક્તિ આગળ આવ્યો છે જેથી કરીને ભૂખથી પીડાતા પાકિસ્તાનીઓને રોટલી મળી શકે. આ વ્યક્તિનું નામ છે અનિલ શર્મા, જે કાર્ગો શિપના બિઝનેસમાં વિશ્વ પ્રસિદ્ધ છે. તેઓ મૂળ ગુજરાત ભાવનગરના છે, પરંતુ હાલ દુબઈમાં રહે છે. અનિલ શર્મા પોતે પણ ભાવનગરમાં વિતાવેલા દિવસોને ખૂબ ગર્વથી યાદ કરે છે.
તેમની કંપનીની માલિકીનું ‘એમવી લીલા’ ચેન્નાઈ ૫૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉં લઈને પાકિસ્તાન પહોંચ્યું છે. પાકિસ્તાન નાદાર થઈ રહ્યું છે અને ત્યાંના લોકો ભૂખે મરી રહ્યા છે. આ દયનીય પરિસ્થિતિમાં ફરી એક ભારતીય મૂળનો વ્યક્તિ આખરે તેના બચાવમાં આવ્યો છે.
અનિલ શર્માનો શાળા અભ્યાસ ભાવનગરમાં થયો છે અને તેઓ લીલા ગૃપના કોમલકાંત શર્માના લઘુબંધું છે. તેઓ ગ્લોબલ માર્કેટીંગ સીસ્ટમ (GMS inc)ના ઓનર છે. ૪૦ શીપ સાથે તેની આ કંપની વિશ્વભરમાં શીપીંગનો વ્યવસાય કરે છે. તેઓ લોઈડ્ઝ દ્વારા સીઈઓ ઓફ ધ ઈયર – શીપીંગ ટેક ૨૦૨૨નો ગૌરવવંતો એવોર્ડ પણ મેળવી ચુક્યા છે અને શીપીંગ ઈન્ડસ્ટ્રીઝના ટોચના ૧૦૦ વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે.
ભારત અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે : કોમલકાંત શર્મા
લીલા ગૃપના મોભી અને અનિલ શર્માના મોટાભાઈ કોમલકાંત શર્માએ આ અગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારા પરિવારની માનવતા, સેવા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાની અનિલે પણ જાળવી રાખી છે તેનું ગૌરવ છે. સતત વિદેશમાં રહીને શીપીંગ ઈન્ડસ્ટ્રીઝમાં તેમણે જે કાર્ય કર્યુ છે અને દેશ તથા ગુજરાત, ભાવનગરનું નામ રોશન કર્યુ છે ત્યારે માતા પિતા અને ઈશ્વરની તેના પર આવી જ રીતે કૃપા અને આર્શિવાદ વરસતા રહે તેવી શુભેચ્છા…