સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ગયું છે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું અઢારથી વીસ દિવસ વહેલુ આગમન થતા જ કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં સીઝનની પ્રથમ આવક નોંધાઈ છે. યાર્ડમાં કેસર કેરીની આજથી આવક શરૂ થઈ છે. ત્યારે મીઠી મધુર કેસર કેરીના 190 બોકસની આવક થઈ છે. જેના બોકસના ભાવ રૂપિયા 1700/-થી લઈને 2100/- સુધીના બોલાયા છે. ત્યારે કેસર કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા છે.
હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં જસાધાર, ઉના, બાબરીયા સહિતના વિસ્તારમાંથી કેસર કેરીની આવકો જોવા મળી હતી. ત્યારે યાર્ડમાં કેસર કેરીની સીઝનના પ્રારંભ સાથે કેરીના 190 બોક્સની આવક થવા પામી છે. આ સાથે જ કેરીની હરાજીમાં 10 કિલો કેસર કેરીના બોકસના ભાવ રૂપિયા 1700/- થી લઈને 2100/- સુધીના બોલાયા હતાં. ખેડૂતો અને વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે કેસર કેરીની સીઝન વહેલી શરૂ થવાની સાથે લાંબી ચાલે તેમ છે. તો બીજી તરફ સીઝનના પ્રારંભની સાથે કેસર કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યાં છે.