ભાવનગર,તા.9
ભાવનગરની સર ટી. હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત પાંચમા ઔષધિ દિવસની ઉજવણી મેયર કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
વડાપ્રધાનની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ૫મો જન ઔષધિ દિવસ” જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી “ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. જે માટે ૦૧ માર્ચ ૨૦૨૩ થી ૦૭. માર્ચ ૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લાના તમામ PHC , CHC ,SDH , DH ,Nursing School ખાતે એક અઠવાડિયા સુધી ગુણવત્તાયુકત જેનેરિક દવાઓની જાગરૂકતા ઉભી કરવા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે જનઔષધિ પરિયોજનની સાફલ્યગાથાની શોર્ટ ફિલ્મનું નિદર્શન બાદ ઉપસ્થિત લાભાર્થીઓ પોતાના અનુભવો વ્યકત કરી ભારતીય જન ઔષધિ પરિયોજના છેવાડાના લોકો માટે આશિર્વાદરૂપ થઈ હોવાનું જણાવી હતી. આ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આ તકે ડેપ્યુટી મેયર કૃણાલ કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, જીલ્લા કલેક્ટર ડી. કે. પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, સર ટી. હોસ્પિટલ અધિક્ષક જયેશ બહ્મભટ્ટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી. ચંદ્રમણી કુમાર, એમ. ઓ. એચ ડો. આર. કે. સિંહા, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. કોકિલાબેન સોલંકી સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.