જર્મનીના હેમ્બર્ગ શહેરમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં લગભગ 7 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફાયરિંગ ઉત્તરી જર્મનીના હેમ્બર્ગ શહેરના ગ્રોસ બોર્સ્ટેલ વિસ્તારના એક ચર્ચમાં થયું છે. પોલીસ અને મેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.
પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે, “ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, કેટલાકના મોત પણ થયા છે.” તેમણે લોકોને અનુમાન ન કરવા વિનંતી કરતા કહ્યું કે, “આ ક્ષણે ગુનાના હેતુ વિશે કોઈ વિશ્વસનીય માહિતી નથી.” આપને જણાવી દઈએ કે પોલીસે અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી, પરંતુ 7 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો વધી શકે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તેમજ તેમણે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તે જાણી શકાયું નથી. હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કર્યું કે, આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અમે મોટી સંખ્યામાં સુરક્ષા દળો સાથે સ્થળ પર છીએ. હુમલાખોરે લગભગ 10 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રાખ્યો હતો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલાખોર એક હતો કે એકથી વધુ. પોલીસે ડિઝાસ્ટર એલર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ વિસ્તારમાં “અત્યંત જોખમ” માટે એલાર્મ વગાડ્યું. લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી છે. પોલીસે હુમલાગ્રસ્ત ઈમારત પાસેનો રસ્તો બંધ કરી દીધો છે. સાથે પોલીસે જણાવ્યું કે, ગુનેગાર બિલ્ડિંગમાં છુપાયેલો હોઈ શકે છે અથવા બની શકે છે કે તેનું મૃત્યુ થઈ ગયું હોય.