ભાજપના શહેર અધ્યક્ષનો પદભાર સંભાળતા અભયસિંહ ચૌહાણ : સાંસદ, ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ અને સંગઠનના પૂર્વ હોદ્દેદારો, વરિષ્ઠો, આગેવાનો, કાર્યકર્તાઓની રહી વિશાળ ઉપસ્થતિ
ભાવનગર, તા.૧૦
ભાવનગર શહેર ભાજપ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે આજે પાર્ટીના વરિષ્ઠોની ઉપસ્થતિમાં પદભાર સંભાળ્યો હતો. આ તકે તેમણે સંગઠનને વધુ સુદ્રઢ અને મજબુત બનાવવા સાથે ભાવનગર શહેરના વિકાસના પ્રોજેક્ટને ગતિ આપવા ઉપરાંત ગુણવત્તામાં બાંધછોડ નહીં કરવા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગત તા.૨ માર્ચે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન અને સંગઠનના વિવિધ હોદ્દા ઉપર કાર્ય કરી ચુકેલા અભયસિંહ ચૌહાણની શહેર ભાજપના પ્રમુખ પદે પ્રદેશ સંગઠન દ્વારા નિમણૂંક જાહેર કરાઇ હતી. અભયભાઇ એ સમયે સિક્કીમના પ્રવાસે હતા તેમજ હોળાષ્ટક પણ ચાલી રહ્યું હોય કમુરતા પૂર્ણ થયા બાદ આજે સવારે તેમણે શહેર ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજુભાઇ રાણા, પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન, ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, પૂર્વ મહામંત્રીઓ યોગેશ બદાણી, ડી.બી. ચુડાસમા, અરૂણ પટેલ, પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કિર્તીબેન દાણીધારીયા, ડે.મેયર કુમાર શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, બાડાના પૂર્વ ચેરમેન અમોહભાઇ શાહ સહિતના વરિષ્ઠો, આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ તેમજ વોર્ડ પ્રમુખ, મહામંત્રી અને કાર્યકરોની વિશાળ ઉપસ્થતિ રહી હતી.
પદભાર સંભાળ્યા બાદ ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રદેશ દ્વારા પોતાનામાં વિશ્વાસ મુકી આ જવાબદારી સોંપાઇ છે ત્યારે સંગઠનને વધુ સુદ્રઢ બનાવવા અને કોઇ કચાસ હશે તો તેને દુર કરવા પ્રયત્ન કરીશ. બુથ સમિતિ, પેજ સમિતિ, શક્તિકેન્દ્ર, મંડળ અને સંગઠનને વધુ મજબુત બનાવીશ. સૌના સહકારથી તથા ચૂંટાયેલ પદાધિકારીઓ, સંગઠનના પૂર્વ હોદ્દેદારોને સાથે રાખી ભાવનગરનો વિકાસ થાય અને છેવાડાના માનવીને લાભ મળે તે માટે અંત્યોદયનું સુત્ર સાર્થક કરવા પ્રયત્નશીલ રહીશ. ભાવનગર મહાનગરપાલિકાના તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય સાથે ગુણવત્તા જળવાઇ રહે અને અરજદારોના કામો થાય, પરેશાની દુર થાય તે માટે સંકલન કરી કાર્ય કરવા તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.