ભાવનગર, તા.૧૦
ભારત દેશને આઝાદ કરાવવામાં સમગ્ર જીવન રાષ્ટ્ર માટે અર્પણ કરનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ જેલયાત્રાની સાતમી માર્ચના રોજ ૯૩મી વર્ષની ઉજવણી કાર્યક્રમ સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લા જેલ ખાતે યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાકર વિરોધમાં તારીખ ૧૨ માર્ચ ૧૯૩૦ થી દાંડીકૂચ યાત્રાનુ આયોજન કર્યું હતું તે દાંડીકૂચ યાત્રાની તૈયારી માટે સરદાર પટેલને જવાબદારી સોંપેલ તેથી સરદાર પટેલે રાસ ગામે જાહેર સભા તારીખ ૭ માર્ચ ૧૯૩૦ ના રોજ કરી હતી.
આથી અંગ્રેજ સરકારના અમલદારોએ રાસ ગામેથી સરદાર પટેલની ધરપકડ કરી અને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા અને કેદી નંબર ૧૫૭૩૦ આપવામાં આવ્યો હતો. આથી દર વર્ષે સાતમી માર્ચના રોજ ગુજરાત રાજ્યની જેલોમાં કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે તારીખ ૭ માર્ચના રોજ ભાવનગર જિલ્લા જેલમાં સરદાર પટેલની જેલયાત્રા વિશે અને સરદાર સાહેબના જીવન વિશે મંડળના પ્રમુખ ભરત મોણપરાએ પ્રવચન કર્યું હતું. તેમજ જેલમાં શિસ્ત બદ્ધ રીતે સજા કાપતા ૧૦ બંદીવાનોનુ સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. છ બહેનો જેલમાં છે તેને રૂમાલ, પેન આપી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમનું ઉદઘાટન રમેશભાઈ મેંદપરાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરાયું હતું આ પ્રસંગે પુનિતભાઈ ભટ્ટ, પરાગભાઈ દોશી, રાજ કુકડીયા, સંજય માણીયા તથા જેલર મલેક, ઇન્ચાર્જ જેલર સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા મંડળના સભ્યો તથા જેલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.