મુંબઇ ઇન્ડિયન્સની ટીમે મહિલા IPLમાં જીતની હેટ્રિક નોંધાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મેચ જીતી છે. દિલ્હી સામે રમાયેલી મેચમાં મુંબઈએ 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ફરી એકવાર મુંબઈના બેટિંગ અને બોલિંગ બંને વિભાગ શાનદાર ફોર્મમાં હતા. મુંબઈ માટે બોલર ઈસી વોંગ, સાયકા ઈશાક અને હેલી મેથ્યુસે શાનદાર બોલિંગ કરતા 3-3 વિકેટ પોતાના નામે કરી હતી. ટીમના ઓપનિંગ બેટ્સમેન યસ્તિકા ભાટિયાએ 41 રનની ઇનિંગ રમી હતી.
દિલ્હીના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા
આ મેચમાં દિલ્હી કેપિટલ્સની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ દેખાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 18 ઓવરમાં માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના કેપ્ટન મેન લેનિંગે સૌથી વધુ 43 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય જેમિમા રોડ્રિગ્સે 3 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા અને રાધા યાદવ 10 રન બનાવવામાં સફળ રહી. બાકી ટીમના કોઈપણ બેટ્સમેન ડબલ ફિગરને પાર કરી શક્યા ન હતા.
મુંબઈની બોલિંગે ફરી તાકાત બતાવી
આ ટુર્નામેન્ટમાં ત્રીજી વખત બન્યું છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ વિરોધી ટીમને ઓલઆઉટ કરી દીધી. આ મેચમાં ટીમના બોલર ઈસી વોંગે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. સ્પિનર સાયકા ઇશાકે પણ 3 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને ઓલરાઉન્ડર હેલી મેથ્યુઝે પણ 4 ઓવરમાં 19 રન આપીને 3 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવવામાં સફળતા મેળવી હતી. ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે પણ તેના ખાતામાં 1 વિકેટ લીધી હતી.
કેપ્ટન હરમનપ્રીત કૌર અણનમ પરત ફર્યા
106 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. ઓપનિંગ પર આવેલા બેટ્સમેન યસ્તિકા ભાટિયાએ 8 ફોર ફટકારીને ટીમ માટે 41 રન બનાવ્યા હતા. તેની સાથે ઓપનિંગ સંભાળીને હેલી મેથ્યુઝ 6 ચોગ્ગા સાથે 32 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નેટ સાયવર બ્રન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે અનુક્રમે 23* અને 11*ના વ્યક્તિગત સ્કોર પર અણનમ પરત ફરીને ટીમને વિજય અપાવ્યો હતો.