અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઈ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અંબાજીમાં ધરણાં કરશે
અંબાજી મંદિરમાં છેલ્લા એક અઠવાડિયા કરતા વધારે સમયથી ચાલી રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવી છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીમાં ધરણાં કરવામાં આવશે. VHP પરંપરાગત પ્રસાદ બંધ કરવા મામલે વિરોધ નોંધાવશે. આ ધરણાં પ્રદર્શનમાં જોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદે યાત્રા સંઘો, સંતો, ભક્તોને આહ્વાન કર્યું છે. એટલું જ નહીં હિત રક્ષા સમિતિ દ્વારા આજે અંબાજી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે અંબાજીમાં તમામ વેપારીઓ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખશે. તેમજ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા માટે બંધ પાડી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત આવતીકાલે એટલે કે રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળ વહોંચવામાં આવશે.
અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોમાં રોષ છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ મામલે હવે ખુદ દાંતાના સ્ટેટ રાજવીએ 900 વર્ષથી વધારે સમયથી ચાલતી મોહનથાળ પ્રસાદ પ્રથાને ચાલુ કરવાની માંગ કરી છે. જો પ્રસાદ ચાલુ નહીં કરવામાં આવે તો રાજવી પરિવારે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.
આદ્ય શક્તિમાં જગદઅંબાનું મંદિર વિક્રમ સંવત 1137થી એટલે કે આશરે (900 વર્ષ ઉપરાંત સમયથી) મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું ત્યારથી અવિરત પણે ચોખ્ખા ઘી માંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવવામાં આવતો. ત્યારે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તો સહિત સંસ્થાઓ સંગઠનો, ભૂદેવો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. દિવસેને દિવસે વિવાદ ઘેરો બન્યો જાય છે. ત્યારે અંબાજી માતાજીના ઉપાસક અને દાંતા રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. જો મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં નહિ આવે તો છેલ્લે કોર્ટ નો સહારો લેવો પડશે તેવી રાજવી પરમવીરસિહે ચીમકી પણ ઉચ્ચારી હતી.