ખેડા જિલ્લાના નડિયાદની નવરંગ ટાઉનશિપમાં એક મહિલાની તેના જ પતિ દ્વારા જાહેરમાં ગોળી મારીને હત્યા કરી નાંખવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરાર થઈ ગયેલા પતિની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની નવરંગ ટાઉનશિપમાં રહેતા નિમિષાબેન પરમાર (47)ના લગ્ન આજથી 25 વર્ષ અગાઉ રસિક પરમાર સાથે થયા હતા. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં નિમિષાબેને પતિ રસિકભાઈ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસની કોર્ટમાં તારીખ હતી.
આ બાબતનો ખાર રાખીને આજે રસિકભાઈ નવરંગ ટાઉનશિપ પહોંચ્યા હતા. જ્યાં પત્ની પર ફાયરિંગ કરીને રસિકભાઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં એક દીકરી છે, જે હાલ વિદેશમાં રહે છે. હાલ તો મૃતક નિમિષાબેનના માતાની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા પતિને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.