દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જોકે આ વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં અહીં વાયરસના 352 કેસ નોંધાયા છે. BMC અનુસાર મુંબઈમાં 32 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4 H3N2 અને 28 H1N1 દર્દીઓ છે. આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. રાજ્યમાં ઈન્ફલ્યુએન્ઝા H3N2ના ખતરાને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંત પણ હાજર રહેશે.
ગુજરાતના વડોદરામાં પણ આ જ વાયરસના કારણે 58 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ સાથે દિલ્હીની LNJP હોસ્પિટલમાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. અહીં નવા કેસોને ધ્યાનમાં રાખીને બેડ અને ડોક્ટરોની સુવિધા વધારવામાં આવી રહી છે. સાવચેતીના પગલા તરીકે પુડુચેરીમાં તમામ શાળાઓને 16 થી 26 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. બુધવારે પણ આસામમાં H3N2 વાયરસનો એક કેસ નોંધાયો છે.