ભાવનગરમાં એક કંપનીમાં કામ કરતી મહિલાએ કંપનીના સંચાલકને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા એક કરોડ જેવી રોકડ તેમજ મિલકત મેળવી લીધા બાદ વધુ રૂ.૨૫ લાખની માં ગણી કરતા કંપનીના સંચાલકે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે યુવતીની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આ પ્રકરણમાં અન્ય એક વ્યક્તિની પણ સંડોવણી હોય પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
ભાવનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ રાખતી એક કંપની ચલાવતી મહીલાએ તેની કંપનીમાં સુપરવાઇઝર તરીકે એક મહીલાને નોકરીએ રાખી હતી. બાદમાં મહિલા કોન્ટ્રાક્ટરના પતિ સાથે સુપરવાઇઝર મહિલા સંપર્કમાં આવતા બંન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને અનેક વખત સબંધો પણ બાંધ્યા હતા.
આ મહિલાએ કોન્ટ્રાક્ટરના પતિ પાસેથી મકાન, સોના ચાંદીના ઘરેણા સ્વરૂપે એકાદ કરોડથી વધુ મત્તા ઓળવી લીધી હતી અને હજુ વધુ રૂ.૨૫ લાખની માંગણી કરતા મહિલા કોન્ટ્રાક્ટરના પતિએ ના પાડતા સુપરવાઇઝર મહિલાએ બ્લેક મેઇલીંગ કરી ધમકી આપતી હતી. જેમાં મહિલા કોન્ટ્રાક્ટરના પતિએ સુપરવાઝર મહિલા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસ મથકના પી. આઈ. પરમાર સહિતના સ્ટાફે સુપરવાઇઝર મહિલાને ઝડપી લીધી હતી અને તેને કોર્ટ માં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ એ બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.
શહેરમાં ચકચાર જગાવનાર આ પ્રકરણમાં હજુ એક શખ્સની સંડોવણી હોય પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.