કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઈકાલે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાખી છે.
ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બે વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ છે. રાહુલ ગાંધી પરની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ સરકાર સામે આર-પારના મૂડમાં છે. આ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા બપોરે 1 કલાકે પત્રકાર પરિષદ યોજાશે. સાથે જ સોમવારથી કોંગ્રેસ દેશભરમાં મોટું આંદોલન કરશે. પાર્ટીએ રાહુલની સદસ્યતાને એક મોટો મુદ્દો બનાવી દીધો છે. હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કાર્યકર્તાઓને પૂરી તાકાતથી કર્ણાટકની ચૂંટણી જીતવા માટે હાંકલ કરી છે.
વાયનાડ સંસદીય મતવિસ્તારની સદસ્યતા નાબૂદ થયા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. મહત્વનું છે કે, સદસ્યતા રદ થયા પછી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી.
હવે રાહુલ પાસે કયા વિકલ્પો છે?
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે રાહુલ પાસે માત્ર બે જ વિકલ્પ છે. તેમણે કહ્યું કે જો તેઓ કાયદાકીય રીતે આગળ નહીં વધે તો આગામી દિવસોમાં રાહુલ ગાંધીને જેલમાં જવું પડી શકે છે. સજા સામે સેશન્સ કોર્ટમાં જવું પડશે. રાહુલ ગાંધીને સજા સંભળાવનાર સુરત કોર્ટે તેમને એક મહિનાનો સમય આપ્યો છે. આ એક મહિનાની અંદર રાહુલે કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં અરજી કરવી પડશે. આ પછી રાહુલ ગાંધીનું ભવિષ્ય કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે.