સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળીના સભ્યો અને પૂર્વ ફડચા અધિકારીની મિલીભગતથી કરોડોના કૌભાંડ પ્રકરણને દબાવવા માટે રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ હાઈકોર્ટે આ મામલે કાર્યવાહીની આદેશ આપ્યા છે. સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટે 11 કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ તમામે ફડચામાં ગયેલી મંડળીને ખોટી રીતે પુનઃજીવિત કરી કૌભાંડ આચર્યું હતું. ફડચામાં ગયેલી મંડળી પાસે કરોડોની જમીન હતી. મંડળીની જમીન પર આ તમામ લોકોની નજર હતી. જેથી જમીન હડપ કરવા આ તમામે ફરીથી મંડળીને પુનઃજીવિત કરી હતી. મૃત્યુ પામેલા સભ્યોની સહી લઈને મંડળી પુનઃજીવિત કરાઈ હતી. તત્કાલિન ફડચા અધિકારી ડી.ડી.મોરીએ મંડળીને પુનઃજીવિત કરવા મદદ કરી હતી.
આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા ભાજપના જ અગ્રણીએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી હાઈકોર્ટે વઢવાણ APMC ચેરમેન રામજી ગોહિલ સહિત 11 અગ્રણીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કિસાન સેલના પ્રમુખ વજુભાઈ મુખીની ફરિયાદ પર હાઇકોર્ટે ડિસ્ટ્રીક્ટ કોર્ટને આદેશ કર્યો છે. જેથી ડિસ્ટ્રીક્ટ કોર્ટે પોલીસને કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે. સમગ્ર કૌભાંડમાં કોર્ટે આદેશ કરતા રાજકારણ ગરમાયું છે.