ગુજરાતમાં ક્રિકેટ સટ્ટામાં અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટો અમદાવાદ PCBએ ઝડપી પાડ્યો છે. છેલ્લા ઘણા મહિનાથી કંપનીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થતું હોવાની બાતમી હતી જે સંદર્ભે PCBને માધુપુરા વિસ્તારમાં એક કડી મળી અને એક બે નહીં પણ 1800 કરોડના હિસાબ મળી આવ્યા છે. અત્યાર સુધીના સટ્ટાના રેકેટમાં PCBને સૌથી મોટી સફળતા મળી છે. આ તમામ રૂપિયાનો હવાલો સિંગાપુર અને દુબઇ હવાલા મારફતે થતો હતો તેમજ ઘરે સામાન્ય વ્યક્તિના એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિના એકાઉન્ટમાંથી રૂપિયા કંપનીના એકાઉન્ટમાં જતા હતા. આ કંપનીઓ સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાતી હતી.
અમદાવાદ પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે, કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યાં છે અને તે સામાન્ય વ્યક્તિના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે. પરંતુ આ તમામ રૂપિયા સટ્ટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી તે સમયે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા સુમિલ કોમ્પલેક્સમાં પીસીબીની ટીમે દરોડા પાડ્યા હતા. પીસીબીએ અહીં રેડ કરી ત્યારે સાત મોબાઇલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ, સાત પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે જિતેન્દ્ર હીરાગર, સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી 3 આરોપી મૂળ રાજસ્થાનના છે. જ્યારે 16 આરોપીઓ ફરાર છે. જેમાં દુબઇ, સિંગાપુર સહિત અલગ અલગ રાજ્યના છે. 16 ફરાર આરોપીઓની પણ પોલીસે શોધખોળ શરૂ કરી કરી છે. સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે.
આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તેઓ સામાન્ય વ્યક્તિના એકાઉન્ટ એટલે કે કોઈ ખાનગી વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ સટ્ટો રમાડનાર લોકોના એકાઉન્ટ સુધી પહોંચતા હતા. આ ટ્રાન્ઝેક્શન 1800 કરોડ સુધી પહોંચ્યું છે. આ સમગ્ર કેસનું પંચનામું કરતા જ ત્રણ દિવસથી વધુ સમય લાગ્યો છે અને ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ થયો છે. હવે આ સમગ્ર હવાલા તેમજ રોકડ ટ્રાન્ઝેક્શન સંદર્ભે તપાસ હાથ ધરી છે તેની સાથે લોકલ અને અન્ય બેંક એકાઉન્ટ પણ સામે આવતા હજારો કરોડમાં ફસાયેલા લોકો પણ સ્પષ્ટ થશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આ સંદર્ભે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.






