પ્રયાગરાજ
ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મેળવનાર માફિયા અતીક અહેમદને પોલીસ કાફલો અમદાવાદની સાબરમતી જેલમાં પરત લાવી રહ્યો છે. માફિયા અતીકને લઈને મધ્યપ્રદેશના શિવપુરીથી રાજસ્થાનના બારાં જિલ્લામાં પહોંચ્યો. ઝાંસીથી નીકળીને કાફલો રાજસ્થાનના બારાં સુધી ક્યાંય રોકાયો નહોતો. બારાં ખાતે વાહનોમાં ઈંધણ ભરવા કાફલો રોકાયો હતો. અગાઉ, બાંદાથી હમીરપુરની બોર્ડરમાં પ્રવેશ કરતી વખતે કાફલો અટક્યો ત્યારે પ્રિઝનર વાનમાંથી નીચે ઉતરેલા અતીક અહેમદે મીડિયા સમક્ષ મૂછે હાથ ફેરવીને કહ્યું હતું કે તે આ મામલે હાઈકોર્ટમાં જશે.
અગાઉ, યુપી પોલીસ માફિયા અતીક અહેમદને લઈને રાત્રે 8.35 વાગ્યે પ્રયાગરાજથી સાબરમતી જેલ જવા રવાના થઈ હતી. અહીંથી જતા પહેલા અતીકનું બ્લડપ્રેશર વધી ગયું હતું. પોલીસે તેને દવા આપી. આરામ કર્યા પછી, તેને લઈ જવામાં આવ્યો. પ્રયાગરાજથી નીકળ્યા પછી અતીક અહેમદને લઈને અમદાવાદ આવી રહેલા પોલીસ કાફલાએ લગભગ 200 કિમીનું અંતર કાપ્યું છે અને કાફલો બુંદેલખંડ હાઈવે પર આગળ વધી રહ્યો છે. મંગળવારે જ ઉમેશ પાલના અપહરણ કેસમાં અતીકને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કાફલો એક વાર ચિત્રકૂટ પોલીસ લાઈનમાં ફૂડ પેકેટ લેવા માટે ઉભો રહ્યો હતો. જ્યાં 10 થી 15 મિનિટ ઉભા રહ્યા બાદ કાફલો અમદાવાદ તરફ જવા રવાના થયો હતો.
આદેશ ન મળતાં અતીકને 5 કલાક નૈની જેલની બહાર વાનમાં બેસી રહેવું પડ્યું
સજા બાદ બપોરે 3.30 વાગ્યે અતીકને નૈની જેલમાં પરત લાવવામાં આવ્યો હતો, પરંતુ તેને જેલની અંદર લઈ જવામાં આવ્યો ન હતો. વાન 5 કલાક જેલના ગેટ પાસે ઉભી રહી હતી. વરિષ્ઠ જેલ સુપ્રિટેન્ડેન્ટ શશિકાંત સિંહે અતીકને જેલમાં લઈ જવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અતીકને નૈની જેલમાં લઈ જવા માટે હજુ સુધી કોઈ આદેશ મળ્યો નથી.