શિક્ષણ નગરી ભાવનગરમાં બાળ શિક્ષણ માટે ઉર્જા કેન્દ્ર રૂપ બની રહેલ સ્મોલ વન્ડર્સ સતત આગેકુચ કરી રહ્યું છે તેની પ્રતિતિ તેના વાર્ષિકોત્સવ દરમિયાન જાેવા મળી. આ સંસ્થાનો ૧૯મો એન્યુઅલ ડે- વાર્ષિકોત્સવ રવિવારે મેઘાણી ઓડિટોરીયમ ખાતે રંગારંગ કાર્યક્રમ આમંત્રીતો, વાલીઓની હકડેઠાઠ હાજરી વચ્ચે ઉજવાઇ ગયો. માત્ર ચાર વર્ષ સુધીના નાના ભુલકાઓએ મેઘાણી ઓડિટોરીયમના વિશાળ રંગમંચ પર પોતાની પ્રસ્તુતિથી કલાનું મેઘધનુષ રચી રંગદર્શી માહોલ સજ્ર્યો હતો.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત યુવરાજ જયવીરરાજસિંહજી સહિત રાજવી પરિવારના સભ્યો, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય સાથે ખુલ્લા મુકાયેલા આ રંગારંગ કાર્યક્રમને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને આમંત્રીતોએ મન ભરીને માણ્યો હતો. આ પ્રસંગે કલા અર્પણ અકાદમી (ડૉ. વિનિતા ઝાલા)ની વિદ્યાર્થિનીઓ દ્વારા શિવ તાંડવ અને નટરાજ સીપી સ્કૂલના દિવ્યાંગો દ્વારા પ્રસ્તુત થયેલી વિશેષ કૃતિને સહુએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
સ્મોલ વન્ડર્સના સંચાલક હર્ષા રામૈયાએ આ પ્રસંગે સહુ વાલીઓ અને મહેમાનોનો ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે, ‘હારમની’ શિર્ષક સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર બાળકોએ જ નહી પરંતુ માતા -પિતાએ પણ ભાગ લઇ બાળકોનો ઉત્સાહ વધાર્યો જે આનંદની વાત છે. અમારા માટે પ્રત્યેક બાળક મૂલ્યવાન હીરો છે અને તેને યોગ્ય ચમક આપવાનું કામ આપણા સહુનું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સ્મોલ વન્ડર્સની ટીમે જહેમત ઉઠાવી હતી.