અહીના અનવર ગંજમાં બારામંડીમાં આવેલી રેડીમેડ કપડાની માર્કેટમાં મધરાત્રે બે વાગ્યે લાગેલી આગમાં લગભગ 600 થી વધુ દુકાનો તબાહ થઈ ગઈ હતી અને મોટુ નુકશાન થયુ હતું. આગના આ બનાવમાં કોઈ જાનહાનીનાં અહેવાલો નથી. આગ શોર્ટ સર્કીટથી લાગ્યાનું બહાર આવ્યુ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મધરાત્રે એઆર ટાવર રેડીમેડ, માર્કેટમાં આગની લપેટો જોઈ રસ્તે પસાર થતાં લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી જેથી પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ બિલ્ડીંગના પહેલા માળે અચાનક શોર્ટ સર્કીટથી લાગી હતી જે ઉપરના માળોમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગ્યાની ખબર પડતા દુકાનદારો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈદના તહેવારને લઈને વેપારીઓએ કરોડો રૂપિયાનો માલ એકઠો કર્યો હતો.