ટેકનોલોજી યુગમાં વધતા સાઈબર કાંડ વચ્ચે ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી ડેટા ચોરીનો ખુલાસો થયો છે.ગુજરાત સહીત 24 રાજયો તથા આઠ મહાનગરોનાં 66.9 કરોડના પર્સનલ ડેટા ચોરી લેવાયા છે.જેમાં એક વ્યકિતની ધરપકડ થઈ છે અને ગુજરાતનાં બે લોકોના કનેકશન ખુલ્યા છે. હૈદરાબાદની સાઈબર ક્રાઈમ પોલીસે ડેટાચોરીનાં મામલે ફરીદાબાદનાં વિનય ભારદ્વાજ નામના શખ્સની ધરપકડ કરતા સમગ્ર મસમોટા કૌભાંડનો ખુલાસો થયો છે.
આમીર સોહીલ, તથા મદન ગોપાલ નામનાં ગુજરાતના બે શખ્સો પાસેથી આ પર્સનલ ડેટા મેળવીને વેચતો હોવાની વિનય ભારદ્વાજ કબુલાત આપતા તપાસ ગુજરાત સુધી લંબાવવામાં આવી છે.પોલીસે લોકોની ખાનગી માહિતી પર્સનલ ડેટા ચોરીને તેનું વેચાણ કરવાનો આરોપ મુકીને વિનય ભારદ્વાજની ધરપકડ કરી છે. આરોપી ફરીદાબાદનો જ વલ્લભગઢ વિસ્તારમાં ઓફીસ ધરાવે છે. 24 રાજયો તથા 8 મહાનગરોના લોકોના પર્સનલ ડેટા ચોરીને વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ શખ્સ કલાઉડ લીક મારફત લોકોના ડેટા, વેચતો હોવાનું ખુલ્યુ છે.