મહાઠગ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટના આધારે જમ્મુ-કાશ્મીરમાંથી કસ્ટડી મેળવીને અમદાવાદ લાવવામાં આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમદાવાદની મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને 15 એપ્રિલના રોજ કોર્ટમાં ફરી રજૂ કરાશે. પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલની ધરપકડ કરાઈ છે. મહાઠગ કિરણ પટેલની ક્રાઈમબ્રાંચના અલગ-અલગ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. જેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલો કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની સામે પોપટની જેમ જવાબ આપી રહ્યો છે. મહાઠગની પૂછપરછમાં સામે આવ્યું છે કે ઠગે મોટા બિઝનેસમેનને કશ્મીરમાં રોકાણની લાલચ આપી હતી. આ ઉપરાંત તેણે ગર્લફ્રેન્ડ સાથે ઘણી જગ્યાની મુલાકાત લીધી હોવાનું પણ સ્વીકાર્યું છે.
‘જગદીશપુરમ્’ બંગલાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહાઠગે જણાવ્યું છે કે, અદાણીના કોન્ટ્રાક્ટના નામે જગદીશપુરમ્ બંગલો પચાવ્યાનું પણ કિરણ પટેલે સ્વીકાર્યું છે. તેને બંગલા પર લઈ જઈને તપાસ કરવામાં આવશે. કિરણ પટેલ પાસે 3 બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા 3 વર્ષના સ્ટેટમેન્ટની તપાસ કરશે.






