વડોદરા શહેર નજીક આવેલા કોટંબી પાસે આજે રાત્રે એસટી બસની અડફેટે બાઇક સવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાનો રાત્રે 8.15 વાગ્યે જરોદથી અમરેશ્વર પુરા ગામ તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ સમયે ગાંધીનગરથી પાવાગઢ તરફ (GJ-18-Z-4692)નંબરની એસટી બસ જઈ રહી હતી. આ એસટી બસે ત્રણ બાઇક સવારોને અડફેટે લીધા હતા.
આ ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇઓ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ હાઇવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો.






