પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ હત્યાની તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે 2017 પછી ઉત્તર પ્રદેશમાં થયેલા તમામ 183 એન્કાઉન્ટરોની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહ કસારી મસારી કબ્રસ્તાનમાં આકરી સુરક્ષા વચ્ચે પહોંચ્યા અને પછી પરિવારજનોની હાજરીમાં તેને દફનાવવામાં આવ્યા હતા.
આ કબ્રસ્તાનમાં બે દિવસ પહેલાં એનકાઉન્ટરમાં માર્યા ગયેલા અતીકના પુત્ર અસદને પણ દફનાવવામાં આવ્યો હતો. કબ્રસ્તાનની આસપાસ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી. આ પહેલાં અતીક અને અશરફનું પોસ્ટમોર્ટ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરોની પેનલે કર્યું હતું.
અતીક અને અશરફની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુપી પોલીસ એલર્ટ મોડ પર છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસકર્મીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરી રહી છે. પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનમાં બંનેની હત્યા માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.



