ગુજરાતમાં સર્જાયેલા કિરણ પટેલ કાંડ અને સીએમઓ સહિતની ઓફિસોમાં ફરજ પર મુકાયેલા પીઆરઓ દ્વારા ફાઇલોની મુવમેન્ટ તથા ચોકકસ લોકો માટે કામ કરતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે સીએમઓમાં મોટી સાફસુફી કરવામાં આવી છે તો બીજી તરફ હવે સ્વર્ણિમ સંકુલ સહિતના સચિવાલયોમાં વચેટીયાઓને દુર જ રાખવા તમામ મંત્રીઓને ખાસ સુચના આપવામાં આવી છે.
ગુજરાતમાં કિરણ પટેલના કાંડના પગલે સીએમઓ સુધી કેવી ઘુસણખોરી થઇ છે તે બહાર આવ્યું છે પોતાને વડાપ્રધાન કાર્યાલયના મહત્વના અધિકારી તરીકે પોતાને ઓળખાણ આપનાર કિરણ પટેલ અંગે સચિવાલયમાં પણ ઘણાને જાણકારી હતી પરંતુ તેઓ મૌન રહ્યા હતા અથવા તો કિરણ પટેલ મારફત પોતાનો સ્વાર્થ પણ સાધવાની કોશીશ કરી હતી અને બાદની તપાસમાં સ્વર્ણિમ સંકુલ સહિતના ગાંધીનગરમાં સરકારી વિભાગો તથા જિલ્લાની કચેરીઓમાં વચેટીયા સક્રિય હોવાનું છેક મંત્રી સુધી પહોંચી શકતા હોવાનું જાણમાં આવતા પીએમઓએ હવે તમામ મંત્રીઓને તેમના વિભાગોમાં પ્રજાના પ્રતિનિધિઓ અને અરજદારોને સીધા જ સાંભળવા માટે જણાવ્યું છે અને તેમની સાથે આવતા કોઇ એજન્ટ કે વચેટીયાઓને ભાવ ન આપવા અને જો તેઓ કોઇ પ્રભાવ પાડવા કોશીશ કરે તો તેમણે બહારનો રસ્તો દેખાડી દેવા માટે સૂચના આપી છે.
ખાસ કરીને ધારાસભ્યો, સાંસદો અને પક્ષના નેતાઓ કે અગ્રણીઓ રજુઆત કરવા આવે તો તેના માટે મંગળવારનો દિવસ ખાસ ફાળવવામાં આવ્યો છે. પરંતુ તેમાં હોદેદારોએ ખુદે આવવાનું રહેશે અને તેમના વતી કોઇને મોકલાશે નહીં કે કોઇના વતી પણ વચેટીયા રજુઆત કરવા આવે તો તેને તુરંત ઓળખી લેવા જણાવાયું છે. રાજયમાં ગાંધીનગરથી લઇ જિલ્લાની કચેરીઓમાં ‘ઓળખાણ’વાળા લોકો કોઇ પણ કામ કરાવી આપવાની ખાતરી આપે છે અને તેના કારણે સમગ્ર સિસ્ટમમાં વચેટીયાઓની જમાત ઉભી થઇ છે પરંતુ હવે ખુદ મુખ્યમંત્રીએ આ મુદો પોતાના ધ્યાનમાં લઇને વચેટીયાઓને દુર રાખવા જ માટે જણાવ્યું છે અને જો કોઇ મંત્રીઓ આ પ્રકારે એજન્ટ પ્રથાને પ્રોત્સાહન ન આપે તે પણ જોવા જણાવાયું છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ મંત્રીઓની ઓફિસમાં હવે મુલાકાતીઓ માટે ખાસ રજીસ્ટર રહેશે જેમાં તેમના કામ ઉપરાંત મોબાઇલ નંબર સહિતની માહિતી આપવાની રહેશે તે મંત્રીની ચેમ્બરમાંથી બહાર નીકળે તો તેમને અગાઉ આપવામાં આવેલી એક સ્લીપ પરત કરવાની રહેશે જેનાથી તેમનો મંત્રીની ચેમ્બરમાં કેટલો સમય રોકાયા તે પણ નિશ્ર્ચિત થઇ જશે, સીસીટીવી મારફત હવે મંત્રીઓની ચેમ્બરની બહાર મોનીટરીંગ કરવાની તૈયારી છે.




