છેલ્લા કેટલાક મહિનાઓથી મંદીને લઈને ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વિશ્વની મોટી મોટી બેંકોમાં તેના ભણકારા વાગી રહ્યા છે. આ સાથે જ અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટી ઊભી થઈ છે અને ક્રેડિટ સુઈસ મુશ્કેલીમાં હોવાને કારણે વૈશ્વિક મંદીની આશંકા વધી છે. જો કે આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે આ મંદીનો કોઈ અસર ભારતમાં જોવા નહીં મળે.
બ્લૂમબર્ગ રિસેશન મીટર- મંદીનું મીટર જણાવે છે કે, તક ફક્ત ભારતમાં જ છે. આવો એક એન્ટરપ્રેન્યોર નિખિલ કામતની એક સોશિયલ પોસ્ટ પણ આ વાતનો ખુલાસો કરી રહી છે. નિખિલ ભારતીય ફાયનાન્સિયલ સર્વિસ કંપની ઝેરોધાનો માલિક છે અને તેના કહેવા મુજબ અમેરિકા અને યુરોપની નામચીન સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવનાર યુવાનોએ ભારત તરફ વળવું જોઈએ કારણ કે અહીં ઘણી તક છે અને જોખમ શૂન્ય છે. જેઓ કોઈ સ્ટાર્ટ અપ શરૂ કરવા માંગે છે તેમના માટે સંકેત સકારાત્મક છે અને ઓછામાં ઓછા આવનાર એક દાયકા સુધી ભારત જોખમ વિના કામ કરવાની જગ્યા છે.
આ વિશે પોસ્ટ કરતાં કામતે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘મારા મિત્રો કે જેઓ વિશ્વની જાણીતી કોલેજોમાંથી ડિગ્રી મેળવી છે અને ત્યાં કામ કરવાને બદલે અહીં પાછા ફરવાનું વિચારી રહ્યા છે, હું કહેવા માંગુ છું કે ભારત આવનાર દાયકામાં રહેવા માટે યોગ્ય સ્થળ છે અને માટે એન્ટરપ્રેન્યોર તક પણ છે. આ સાથે જ પોતાની વાતને સાબિત કરવા માટે કામતે બ્લૂમબર્ગ રિસેશન મીટર શેર કર્યું. જેમાં ભારતની સંભાવનાઓ ઉજળી દેખાઈ રહી છે. બ્લૂમબર્ગ ગ્રાફિક ‘રિસેશન પોસીબિલિટીઝ વર્લ્ડવાઈડ 2023’ અનુસાર, 2023માં ભારતમાં મંદીનું જોખમ શૂન્ય છે.
આ સાથે જ કામત દ્વારા IMF ગ્રાફિક – ‘વર્લ્ડ આઉટપુટ પ્રોજેક્ટ 2023’ શેર કરવામાં આવ્યું હતું જેમાં ફરીથી ભારતનું પ્રોજેક્શન સારી રીતે દર્શાવવામાં આવ્યું હતું. એ મુજબ જીડીપી વૃદ્ધિ 5.9 ટકાના દરે રહેશે. જ્યારે ચીન 5.2 ટકા, ઇન્ડોનેશિયા 5, સાઉદી અરેબિયા 3.1, ઓસ્ટ્રેલિયા અને યુએસ 1.6, દક્ષિણ કોરિયા, કેનેડા અને સ્પેન પ્રત્યેક 1.5 ટકા રહેશે. આ ગ્રાફિક દર્શાવે છે કે ઘણા યુરોપિયન દેશોની વાર્ષિક વૃદ્ધિ 1 ટકાથી ઓછી છે.
નોંધનીય છે કે આ પહેલા વિશ્વ બેંકે પણ ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના આરે છે, ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે.
આખા વિશ્વની તસવીર ડરામણી
આખા વિશ્વની તસવીર ડરામણી છે અને વિશ્વમાં મંદીની સંભાવનાઓનું ગ્રાફિક દર્શાવે છે.પશ્ચિમી દેશો અને વિકાસશીલ દેશોમાં સ્થિતિ સારી રહેશે નહીં રહે. યુકે માટે મંદીની સંભાવના 75%, ન્યુઝીલેન્ડ માટે 70%, યુએસ માટે 65%, જર્મની, ઇટાલી અને કેનેડા માટે 60%, ફ્રાન્સ માટે 50%, દક્ષિણ આફ્રિકા માટે 45%, ઓસ્ટ્રેલિયા માટે 40%, રશિયા માટે 37.5%, જાપાન માટે 35%, દક્ષિણ કોરિયામાં માટે 30%, મેક્સિકો માટે 27.5%, સ્પેન માટે 25%, સ્વિટ્ઝર્લેન્ડ માટે 20%, બ્રાઝિલ માટે 15%, ચીન માટે 12.5%, સાઉદી અરેબિયા માટે 5% અને ઇન્ડોનેશિયા માટે 2% છે.





