ગઈકાલે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતામાં ફરી વધારો થયો છે. કમોસમી વરસાદ વચ્ચે રાજ્યમાં વીજળી પડવાની ત્રણ ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પાલનપુરમાં 15 વર્ષીય જવાનસિંહ સોલંકી ખેતરથી ઘરે આવી રહ્યો હતો ત્યારે વીજળી પડતા મોત નીપજ્યું હતું. જ્યારે રાણકી વાવમાં ચાર મિત્રો લીમડાના વૃક્ષની નીચે બેઠા હતા. સંદીપ પ્રજાપતિ (25) અને રોહિત મેવાડા (30) પર વીજળી પડી હતી. જેમાં સંદીપનું મોત નીપજ્યું હતું. ભૂજના અંજારમાં રતનાલવાડીમાં 35 વર્ષીય બાબુરામનું વીજળી પડતાં મોત થયું.
આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે રાજ્યમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની માંથે ચિંતાના વાદળો છવાયા છે. અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, દ્વારકા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા રસ્તાઓ ભીના થઈ ગયા છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે.
ભરઉનાળે ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને ઘણુ નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનનો સર્વે કરાવવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા માવઠાને કારણે થયેલા પાકનું નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. રાજ્યમાં માવઠાથી ખેડૂતોને થયેલા પાક નુક્સાન સર્વે પૂર્ણ થઈ ગયો હોવાનું નિવેદન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે. સહાયની પ્રક્રિયા હવે છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થઈ શકે છે. ખેડૂતોને આ આશ્વાસન કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે.
રાજ્યમાં1 મે સુધી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે.