ભાવનગર, તા.૨૯
વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ 29 એપ્રિલથી 1 મેં સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે પ્રથમ દિવસે જ સવારે ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાટણા પડ્યા હતા જેના લીધે રસ્તાઓ ભીના થઈ જવા પામ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી વળ્યું છે.

ઉનાળાના પ્રારંભ સાથે જ સમગ્ર રાજ્યભરમાં અને ભાવનગર શહેર તથા જિલ્લામાં સમયાંતરે કમોસમી માવઠા થઈ રહ્યા છે અગાઉ પડેલા વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યુ હતુ. જ્યારે ફરી વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 29 એપ્રિલથી 1 મેં સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે પ્રથમ દિવસે જ શહેરમાં વાદળો ગોરંભાયા હતા અને વાદળછાયુ વાતાવરણ છવાયેલુ રહ્યું છે. સવારે શહેરમાં વરસાદના છાંટણા પડ્યા હતા જેના લીધે રસ્તાઓ ભીના થઈ જવા પામ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

કમોસમી માવઠાના પગલે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ અર્થે લાવવામાં આવેલ જણાવશો ને સલામત સ્થળે ખસેડવા અગાઉથી જ માર્કેટિંગ યાર્ડના વહીવટદારો દ્વારા જણાવાયું હતું જોકે મોટાભાગનો માલ ખેડૂતોએ સલામત સ્થળે ખસેડી દીધો હોય મોટી નુકસાની થવા પામશે નહીં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણના દર્શન બપોર સુધી થવા પામ્યા નથી પલટાયેલા વાતાવરણના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાવા પામ્યો છે. સાથોસાથ પવનની ઝડપ પણ 28 કિલોમીટર રહેવા પામી છે હજુ બે દિવસ સુધી વરસાદની આગાહી હોય બે દિવસમાં વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.



