વડોદરાની M.S યુનિવર્સિટીમાં તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ તો કલેક્ટર અતુલ ગોરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
વડોદરાની M.S યુનવર્સિટી અનેકવાર વિવાદમાં આવતી હોય છે. જોકે આ વખતે જે વિવાદ સામે આવ્યો તે ખરેખર ચોંકાવનારો છે. હમણાં તાજેતરમાં જ તલાટીની પરીક્ષા યોજાઇ હતી. જો કે સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેશન લેવાનું નક્કી કરાયું હતું. જો કે પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની કોઈ કવાયત નહિ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં અનેક સવાલો ઊભા થયા છે. ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેસન કેમ ન લેવાયા તે મોટો સવાલ બન્યો છે. આ તરફ હવે ડમી ઉમેદવારોને પરીક્ષા આપવા દેવા માટે તરકટ કરાયું હોવાની શંકા પણ સેવાઇ રહી છે. આ સાથે પરીક્ષા ખંડના CCTVના આધારે ઉમેદવારોનું ક્રોસ વેરિફિકેશન કરાશે. જોકે મહત્વનું છે કે, સમગ્ર મામલે કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ આપી દીધા છે.