નકલી નોટ, બોગસ બિલીગ અને જીએસટી સહિત કૌભાંડમાં વગોવાયેલા ભાવનગર શહેરમાં હવે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ગતરાત્રીથી ધામા નાખ્યા છે અને આજે સવારથી પોલીસને સાથે રાખીને શહેરના વાઘાવાડીરોડ પર આવેલી ત્રણ ખાનગી બેંકના કર્મચારીઓને ઉઠાવી લીધા હોવા ઉપરાંત કાળીયાબીડ વિસ્તારમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાની સુત્રો પાસેથી પ્રાથમિક વિગતો મળી આવી છે.

મળતી માહિતી મુજબ EDની ટીમો ગતરાત્રીના જ ભાવનગર આવી પહોંચી હતી અને બે ખાનગી હોટલોમાં ટીમના સભ્યો રોકાયા હતા અને આજે સવારથી કામગીરી શરૂ કરાતા વેપારીઓ, ઉધોગકારો સહિતમા જોરશોરથી ચર્ચાનો વિષય બન્યો છે. ભાવનગર શહેરમાં પ્રથમ વખત EDની તપાસ આવતા ચકચાર મચી જવા પામી છે.

સુત્રોમાથી મળતી વિગતો મુજબ ભાવનગરમાં અન્ય રાજ્યના કેસના કનેકશનની તપાસ માટે EDની ટીમ ભાવનગર આવી છે પરંતુ ક્યા વિભાગનો કેસ છે તે અંગે હજુ સુધી ચોક્કસ માહિતી મળી રહી નથી ત્યારે EDની તપાસથી ભાવનગરમાં વેપારીઓ, ઉધોગકારો, કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલી પેઢીઓ અને બેંક કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.






