રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. રાજસ્થાનમાં મતદાતાઓ સાથે સીધા જોડાવા માટે ભાજપે એક્શન પ્લાન બનાવ્યો છે. ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે સોશિયલ મીડિયા દ્વારા પણ રણનીતિ બનાવી છે. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી વોટ્સએપ ચેમ્બર શરૂ કરવા જઈ રહી છે. આના દ્વારા ભાજપ એક જ ક્લિકથી એક લાખ વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલા કરોડો લોકો સાથે જોડાઈ શકે છે.
ભાજપની IT વિંગે સમગ્ર રાજ્યના 50 લાખ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાનો પ્લાન બનાવ્યો છે. આ માટે પ્રથમ વખત વોટ્સએપ ચેમ્બર બનાવવામાં આવી રહી છે. આ ચેમ્બર દ્વારા એક લાખ વોટ્સએપ ગ્રુપ પર નજર રાખવામાં આવશે અને લગભગ 50 લાખ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક રાખી શકાશે.
સૂત્રોનું માનીએ તો આ ચેમ્બરની મદદથી ભાજપને સીધા 5.16 કરોડ મતદારો સુધી પહોંચવાની તક મળશે. આ માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. રાજસ્થાનના દરેક ડિવિઝનના વોટ્સએપ ગ્રુપ પર નજર રાખવામાં આવશે. તેની જવાબદારી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી પ્રોફેશનલ્સને આપવામાં આવી છે. તો વોટ્સએપ ચેમ્બરની જવાબદારી આઈટી વિંગમાંથી પ્રદેશ કો-ઓર્ડિનેટર હીરેન્દ્ર કૌશિક સંભાળશે.
મોનિટરિંગ માટે બનાવવામાં આવી છે ટીમો
કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ પર એક ગ્રુપ ભાજપના અધિકારીઓના ઈન્ટરનલ કોમ્યુનિકેશન માટે હશે, તો બીજુ ગ્રુપ બૂથ પર રહેતા મતદારો અને યુથ આઈકોન્સ માટે બનાવવામાં આવશે. ચેમ્બરમાં રાજ્ય, જિલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ લેવલની ચાર ટીમો રહેશે અને મોનિટરિંગ માટે 7 લોકોની ટીમ પહેલેથી જ કાર્યરત છે. આ ટીમ સીધી દિલ્હી સાથે કનેક્ટેડ છે.





