ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચેના અકસ્માતની પાછળ શું કોઈ મોટું ષડયંત્ર હતું? શું કોઈએ જાણી જોઈને ટ્રેક સાથે છેડછાડ કરી જેના કારણે 275 નિર્દોષોના જીવ ગયા? આ સવાલ હવે વધુ ગંભીર બન્યો છે. આ મામલે તાજેતરમાં જે ખુલાસો થયો છે, તે આ દિશામાં ઈશારો કરી રહ્યો છે. રેલવેની પ્રાથમિક તપાસમાં આ અંગેના પુરાવા મળ્યા છે કે ટ્રેકની ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. જેના કારણે રેલવેએ ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI પાસે કરાવવાનો નિર્ણય લીધો છે.
રેલવેના અધિકારીઓનું કહેવું છે કે, બાલાસોર ટ્રેન દુર્ઘટનાની પાછળ ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં છેડછાડની સંભાવનાને નકારી શકાય તેમ નથી. તેમના જણાવ્યા અનુસાર, રેલવેની પ્રાથમિક તપાસમાં આ વાતના પુરાવા મળ્યા છે કે આમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ તપાસ જાણકાર એજન્સી પાસે કરાવવામાં આવે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલવેની ઇન્ટરલોકિંગ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઇરાદાપૂર્વક કોઈ છેડછાડ ન કરે ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કરી શકાતો નથી. રેલવે અધિકારીઓના આ ખુલાસાથી ફરી એકવાર આ સવાલ ઉઠી રહ્યો છે કે બાલાસોરની દુર્ઘટના કોઈ અકસ્માત નહીં પણ કાવતરું હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાની તપાસમાં આ પાસાની પણ મહત્ત્વપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં માનવ હસ્તક્ષેપ પાછળનો હેતુ જાણવા માટે CBIની તપાસ કરાવવામાં આવી રહી છે.