અમદાવાદ-મહેસાણા હાઇવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે. હાલ કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટેલ પાસે ત્રણ શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી સ્વિફ્ટ કારે તેઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય શ્રમિકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા.અકસ્માત બાદ રાહદારીઓના ટોળેટોળા બનાવ સ્થળે એકઠા થયા હતા. જેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા કાર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.