આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી છે. અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભુ થયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વચ્ચે ગઈકાલે સાંજ બાદ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાલનપુર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત અમદાવાદ -આબુ હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે જેને લઈને હાઇવે ઉપર ત્રણથી ચાર કિલોમીટર વાહનોની કતારો લાગી છે.