અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જીનિયામાં ફરી ફાયરિંગની ઘટના બની છે. વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીની પાસે એક હાઈસ્કૂલના પદવીદાન સમારોહ બાદ હુમલાખોરોએ 7 લોકોને ગોળી મારી હતી. પોલીસ અને સ્કૂલ પ્રશાસનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર છે. આ ફાયરિંગ મામલે બે શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે વર્જીનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી નજીક ફાયરિંગની ઘટના બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, અંધાધૂધ ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
થિયેટરની અંદરના અધિકારીઓએ સાંજે 5.15 વાગ્યાની આસપાસ ગોળીબારનો અવાજ સાંભળ્યો. પોલીસ અધિકારી રિક એડવર્ડ્સે જણાવ્યું કે આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જેઓને ગોળી વાગી હતી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે થિયેટરની અંદર ફાયરિંગની ઘટના બનશે તેવું વિચાર્યું પણ નહોતું. પોલીસે હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવેલા શખ્સોની ઓળખ જાહેર કરી નથી.





