હજુ પણ ભારે વરસાદી આફત મંડરાઇ રહી છે, વરસાદને લઈ 4 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. કચ્છ, જામનગર, દેવભૂમી દ્વારકા, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે કારણ કે આ 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદના પગલે કચ્છ, જામનગર, જૂનાગઢ, નવસારીમાં NDRFની 1-1 અને જૂનાગઢ, જામનગરમાં SDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
વરસાદની સ્થિતિની સમીક્ષા માટે CM ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ સંદર્ભે રાત્રે 9-30 કલાકે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાહત અને બચાવની કામગીરીની સમિક્ષા કરી હતી. સેન્ટરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેમણે જરૂરી સૂચનાઓ આપીને જ્યાં જરૂર હોય ત્યાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢ અને કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી વરસાદ બાદની સ્થિતિની જાણકારી મેળવી હતી.