ભારતની સ્ટાર સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ કાર્તિક અને તેના પાર્ટનર હરિન્દરપાલ સિંહ સંધુએ ચીનમાં ઈતિહાસ રચ્યો છે. આ જોડીએ એશિયન સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. આ અભિયાન દરમિયાન ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની અને તેના પાર્ટનરે ચીનમાં યોજાયેલી આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પાકિસ્તાનના ખેલાડીઓને પણ હરાવ્યા હતા.
સેમીફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું
દીપિકા અને સંધુની અનુભવી ભારતીય જોડીએ ઈવાન અને રશેલને 11-10, 11-8થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ભારતીય જોડી માટે ફાઈનલ સુધીની સફર આસાન રહી નહોતી. તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં આયરા અજમાન અને શફીક કમલની મલેશિયાની જોડીને હરાવી અને પછી સેમિફાઇનલમાં તૈયબ અસલમ અને ફૈઝા ઝફરની પાકિસ્તાની જોડીને હરાવી હતી.
દિનેશ કાર્તિકે કર્યું ટ્વીટ
ક્રિકેટર દિનેશ કાર્તિકે ચીનમાં ભારતનો ધ્વજ લહેરાવતા ભાવુક ટ્વિટ કર્યું હતું. પત્ની દીપિકા પલ્લીકલની તસવીર શેર કરતા તેણે લખ્યું- આ જોઈને ખૂબ જ ખુશ છું. ગૌરવપૂર્ણ પતિ. જણાવી દઈએ કે દિનેશ કાર્તિકના બીજા લગ્ન દીપિકા સાથે હતા. દીપિકા પણ પતિ ડીકેની જેમ એથ્લેટ છે. તે સ્ક્વોશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. દીપિકા અને કાર્તિકે 2013માં સગાઈ કરી હતી જ્યારે કપલે 2015માં લગ્ન કર્યા હતા. 2021માં દીપિકા દિનેશના જોડિયા પુત્રોની માતા બની હતી.
બીજી તરફ, અનાહત સિંહ અને અભય સિંહની જોડી દ્વારા બ્રોન્ઝ સહિત બે મેડલ સાથે ભારતે ટુર્નામેન્ટમાં તેમના અભિયાનનો અંત કર્યો હતો. આ ભારતીય જોડી સેમિફાઈનલમાં ઈવાન યુએન અને રશેલ આર્નોલ્ડની જોડી સામે હારી ગઈ હતી.





