વનડે વર્લ્ડ કપ શરૂ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. આ ટૂર્નામેન્ટ પહેલા એક મોટા ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ પોતાના દેશ માટે ODI ટીમની કેપ્ટનશિપ દરમિયાન જ આ નિર્ણય લીધો છે. હવે વર્લ્ડ કપ પહેલા ટીમને નવા કેપ્ટનની શોધ કરવી પડશે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મહાન બેટ્સમેન તમીમ ઈકબાલ છે. તમીમ ઈકબાલે આ નિર્ણય અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી વનડે શ્રેણીની મધ્યમાં લીધો છે. તમીમ ઈકબાલના આ નિર્ણયે સમગ્ર બાંગ્લાદેશના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા છે. તમીમ ઈકબાલના જવાથી ટીમ એક કેપ્ટનની સાથે સાથે બેટ્સમેન પણ ગુમાવશે.
રડી પડ્યા તમીમ…
તમીમ ઈકબાલે અચાનક બપોરે 12 વાગ્યે (સ્થાનિક સમય) પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને નિવૃત્તિની જાહેરાત કરી. જાહેરાત કરતી વખતે તે ખૂબ જ ભાવુક થઈ ગયા અને રહી પડ્યા. તમીમનો નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ માટે મોટો ઝટકો છે. તમીમે પત્રકાર પરિષદમાં કહ્યું કે “મારા માટે આ અંત છે. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. મેં મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. હું આ ક્ષણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, BCB અધિકારીઓનો આભાર માનું છું. હું પરિવારના સભ્યોનો આભાર માનું છું, જેઓ મારા લાંબા પ્રવાસ દરમિયાન મારી સાથે રહ્યા છે. તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો. હું ચાહકોનો પણ આભાર માનવા માંગુ છું. તમારા પ્રેમ અને મારામાં વિશ્વાસ મને બાંગ્લાદેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરે છે. મારા જીવનના આગલા પ્રકરણ માટે હું તમારી પ્રાર્થનાઓ માટે પૂછું છું. કૃપા કરીને મને તમારી પ્રાર્થનામાં રાખો.”
કોને મળશે કેપ્ટનશીપ
બાંગ્લાદેશ ટાઈગર્સ પહેલાથી જ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને હવે આ મેગા ઈવેન્ટમાં તેમનો કોઈ કેપ્ટન બચ્યો નથી. શાકિબ અલ હસન હાલમાં T20I કેપ્ટન છે જ્યારે લિટન દાસ ટેસ્ટમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કરી રહ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેમાંથી કોઈને ઓછામાં ઓછા વર્લ્ડ કપ સુધી કેપ્ટન તરીકે નિયુક્ત કરે છે કે કેમ તે જોવું રહ્યું.
કેવી રહી તમીમની કારકિર્દી
જ્યાં સુધી તમીમ ઈકબાલનો સવાલ છે, તેણે બાંગ્લાદેશ માટે 70 ટેસ્ટ મેચ રમી અને 10 સદીની મદદથી 38.89ની એવરેજથી 5134 રન બનાવ્યા. તે છેલ્લે એપ્રિલમાં આયર્લેન્ડ સામે આ ફોર્મેટમાં રમ્યા હતા. જ્યાં સુધી ODIનો સંબંધ છે, તેણે 241 મેચ રમી અને 14 સદી અને 56 અડધી સદી સાથે 36.62ની એવરેજથી 8313 રન બનાવ્યા. તમિમે બાંગ્લાદેશ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે પણ તેની કારકિર્દી પૂરી કરી.