ભાવનગર, તા.૭
સમાજમાં હજુ પણ કેટલાક લોકો દિકરો અને દિકરી વચ્ચે ભેદભાવ રાખી રહ્યા છે અને ગર્ભમાં જો દિકરી હોય તો તેને જન્મ પૂર્વે જ મોતના મુખમાં ધકેલી દેવા ખુદ તબીબોના સહયોગથી જ પાપ આચરી રહ્યા છે. સરકારે આ પાપને અટકાવવા જાતી પરિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલો છે તેમ છતાં લોકો જેને ભગવાન માની રહ્યા છે તેવા (માત્ર) કેટલાક તબીબો જાતિ પરિક્ષણ કરી આપીને પછીથી પાપાચાર કરતા પણ અચકાતા નથી. ભાવનગર મહાપાલિકાના આરોગ્ય તંત્રને ઉંઘતું રાખી ભાવનગર જિલ્લાના આરોગ્ય તંત્રએ આજે શહેરમાં સુપર્બ ઓપરેશન પાર પાડી શાસ્ત્રીનગરમાં એક ડોક્ટરને જાતિય પરિક્ષણનું કૃત્ય આચરતા રંગેહાથ ઝડપી લેતા તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગરના શાસ્ત્રીનગરમાં આવેલ અંકિત મેટરનીટી હોમના ડોક્ટર પંકજ એચ.દોશી પૈસા લઇને ગેરકાયદે રીતે જાતિય પરિક્ષણ કરી આપતા હોવાની બાતમી મળી હતી. આથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીકુમાર તથા જિલ્લા આર.સી.એસ. અધિકારી ડો.કોકીલાબેન સોલંકી, ડો.ચંદ્રકાંત કણઝરીયા ટીએચઓ સિહોર તથા આરોગ્ય વિભાગની ટીમે ડમી લાભાર્થીને મોકલી રોજકામ કરી સરકારી નાણા રૂ.૧૫ હજાર તેના આપ્યા હતાં. આજરોજ સવારે અંકિત મેટરનીટી હોમમાં ડમી લાભાર્થી ગયેલ અને ત્યારે તબીબે સામેથી જ સોનોગ્રાફી દ્વારા જાતિય પરિક્ષણ કરાવવા ઓફર આપી હતી આથી અગાઉથી નક્કી થયેલ મુજબ ડમી લાભાર્થીએ હા પાડતા તેની સોનોગ્રાફી કરી અને બાબો છે કે બેબી તે અંગેની સ્પષ્ટ જાણકારી આ તબીબે આપી હતી. આમ છટકુ સફળ રહ્યું હતું. આથી તુરંત જ આરોગ્ય અધિકારીની ટીમ હોસ્પટલમાં ઘુસી અને સરકારી નાણાં પુરાવા રૂપે કબ્જે લઇ અને સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું. હવે સોનોગ્રાફી મશીનને પરિક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે.
તબીબે જાતિય પરિક્ષણ જ નહીં પરંતુ એબોર્શન કર્યાં હોવાની આશંકા
કેટલાક લોકો જાતિય પરિક્ષણ કરાવીને પછીથી જા દિકરી હોય તો તેને નથી ઇચ્છતા આથી ગર્ભમાં જ તેનો નિકાલ કરી દેવા પાપાચાર આચરે છે. આજે આરોગ્ય તંત્રની ઝપટે ચડેલા ડોક્ટર પંકજ દોશી જાતિય પરિક્ષણ કરી આપીને બાદમાં જરૂર પડ્યે એબોર્શન કરતા હોવાની તંત્રને આશંકા છે. આ દિશામાં આગળ તપાસ હાથ ધરાઇ છે.
ગેરકાયદે જાતિય પરિક્ષણ સંદર્ભે કોર્ટમાં કેસ કરાશે
ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણીકુમારે ‘આસપાસ’ સાથેની ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, ડોક્ટર પંકજ એચ. દોશીને જાતિય પરિક્ષણ કરતા રંગેહાથ પકડી લેવાયા છે. હવે તેમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.



