સ્પાય થ્રિલર ‘ધ નાઇટ મેનેજર’માં શસ્ત્રોના વેપારી શૈલી રૂંગટાના પોતાના અઘરા પાત્ર સાથે ફરી એકવાર આપણા દિલોદિમાગ પર રાજ કરનાર દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર હવે OTT પર રાજ કરી રહ્યા છે. તેમની આ સીરીઝે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ભારતીય સીરીઝનો રેકોર્ડ બનાવ્યો છે. સીરીઝની પ્રથમ સિઝનના પણ ખૂબ વખાણ થયા હતા, જ્યારે બીજી સિઝનની પણ જબરદસ્ત બોલબાલા છે.
અનિલ કપૂરને આવી મજા
આ સીરીઝમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં અનિલ કપૂરે કહ્યું કે, આ પાત્ર ભજવીને તેમને ખૂબ મજા આવી. અનિલની હાજરી પ્રથમ ફ્રેમથી જ ચુંબકીય છે અને તેઓ દરેક સીનથી દર્શકોનું દિલ જીતી લે છે. અનિલ કપૂરે બહુમુખી પ્રતિભા તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેના વિશે વાત કરતાં અનિલે કહ્યું, “મને શૈલી રૂંગટાના પાત્રને જાણવાની ખૂબ મજા આવી. અમારા મિત્રો, પરિવાર અને ચાહકો તરફથી અમને ખૂબ જ પ્રશંસા મળી રહી છે. સીરીઝની સફળતા માટે સમગ્ર ટીમને અભિનંદન.”
આદિત્ય રોય કપૂરનો કહેર
આ શોમાં આદિત્ય રોય કપૂર પણ શાન સેનગુપ્તાની ભૂમિકા ભજવી રહ્યા છે, તેના વિશે વાત કરતાં આદિત્યએ શેર કર્યું કે ‘ધ નાઈટ મેનેજર’ ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવાયેલી સીરીઝમાંની એક તરીકે ઉભરી આવી છે અને તે અમારા બધા માટે ખુશીની એક મોટી ક્ષણ છે. ટીમે ખૂબ સખત મહેનત કરી છે, અમારા પ્રયત્નો ફળ્યા છે. આદિત્યએ કહ્યું કે શાન સેનગુપ્તા એક એવું પાત્ર છે જે હંમેશા મારા દિલની નજીક રહેશે.
આ સીરીઝની વાર્તા એક નવલકથા પર આધારિત
નિર્માતા અને દિગ્દર્શક સંદીપ મોદીએ કહ્યું, “શો માટે મારા સપના પૂરા કરવા માટે સમગ્ર ટીમ અને કલાકારોએ ખૂબ જ સખત મહેનત કરી છે.” ધ નાઇટ મેનેજર, ધ ઇન્ક ફેક્ટરી અને બનજય એશિયા દ્વારા નિર્મિત જ્હોન લે કેરેસની નવલકથાનું હિન્દી રૂપાંતરણ છે. આ થ્રિલર ડિટેક્ટીવ સીરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે.