કોમનવેલ્થ ગેમ્સની ચેમ્પિયન પીવી સિંધુ અને લક્ષ્ય સેને કેનેડા ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ્યા છે. સેને મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જર્મન ક્વોલિફાયર જુલિયન કારાગીને 21-8, 17-21, 21-10થી હરાવ્યો હતો. બીજી તરફ ઓલિમ્પિકમાં બે મેડલ જીતી ચૂકેલી સિંધુએ શુક્રવારે રાત્રે રમાયેલી મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ફેંગ જીને સરળતાથી 21-13, 21-7થી પરાજય આપ્યો હતો. આ ખેલાડી સામે છેલ્લા ચાર મેચમાં સિંધુની આ પ્રથમ જીત છે.
સિંધુએ ફેંગ જી સામે સારી શરૂઆત કરી હતી અને 5-1ની સરસાઈ મેળવી હતી, જે બાદ ભારતીય ખેલાડીએ લીડ વધારીને 11-6 કરી હતી. ત્યારબાદ ફેંગ જીએ વાપસી કરીને 12-16થી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંધુએ તેને વધુ તક આપી નહીં અને પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી. ફેંગ જીએ બીજી ગેમની શરૂઆતમાં 5-1ની લીડ મેળવી હતી, પરંતુ સિંધુએ ટૂંક સમયમાં જ 11-5ની લીડ મેળવી લીધી હતી. આ પછી તેને મેચ જીતવામાં વધુ સમય ન લાગ્યો.
સિંધુ સામે હવે યામાગુચીનો પડકાર
સિંધુ હવે વિશ્વની નંબર વન જાપાનની યામાગુચી સામે ટકરાશે. જ્યારે સેનનો મુકાબલો ચોથા ક્રમાંકિત જાપાનના કેન્ટા નિશિમોતો સામે થશે. 28 વર્ષીય હૈદરાબાદી પીવી સિંધુની ટોચની ક્રમાંકિત જાપાની ખેલાડી સાથે છેલ્લી મેચ ગયા વર્ષે સિંગાપોર ઓપનમાં થઈ હતી, જેમાં જાપાની ખેલાડીનો વિજય થયો હતો.