ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કેટલાક વિસ્તારોમાં શાનદાર બેટિંગ કરી છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમોમાં પાણીની આવક વધી છો. તો રસ્તાઓ અને ખેતરો બેટમાં ફરી વળ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઈડરમાં પડ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ઈડરમાં 6 ઈંચ વરસાદ પડતા જનજીવન અસ્તવસ્ત બન્યું છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. તો ભારે વરસાદના કારણે સ્થાનિક નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઈડર ઉપરાંત તલોદમાં પણ 24 કલાકમાં પોણા 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં ભારે વરસાદથી જળાશયો હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસતા રાજ્યના 207 ડેમમાંથી 37 ડેમને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે 13 ડેમ એલર્ટ પર અને 15 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 44 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનનો સૌથી વધુ કચ્છમાં 112 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉ.ગુજરાતમાં સિઝનનો સરેરાશ 45 ટકા વરસાદ, દ.ગુજરાતમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં સિઝનનો 30 ટકા વરસાદ પડ્યો છે.
લુણાવાડામાં સવા 5 ઈંચ, મહીસાગરના વીરપુરમાં સવા 5 ઈંચ, ઉપલેટામાં પોણા 5 ઈંચ વરસાદ પડ્યો છે. તો બાયડ પોણા 5 ઈંચ, ધનસુરામાં સવા 4 ઈંચ, દાંતા અને વીસાવદરમાં સવા 4 ઈંચ, વિસનગરમાં 4 ઈંચ, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ, વિજાપુર અને ખેરાલુમાં પોણા 4 ઈંચ, ડોલવણમાં પોણા 4 ઈંચ, મોડાસામાં પોણા 4 ઈંચ વરસાદ, સંતરામપુર અને ઉમરપાડામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.