ચોમાસું શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે.
રાજ્યમાં ફરી વરસાદની આગાહી આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.
વરસાદના ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ થશે. અતિભારે વરસાદના કારણે નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના કારણે દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદના કારણે ઉત્તર ભારતની નદીઓની જળ સપાટીમાં પણ વધારો થશે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશામાં ભારે વરસાદ થશે.