લાંબા સમયથી ચર્ચામાં રહેલા કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારની યોજના હવે વિલંબમાં પડી હોવાના સંકેત છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં જે રીતે ભાજપમાં ઉચ્ચ કક્ષાની હિલચાલ હતી તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા વચ્ચે બે-ત્રણ વખત લાંબી બેઠકોનો દૌર ચાલ્યો અને નડ્ડા પણ એક બાદ કેન્દ્રીય મંત્રીઓને મળ્યા તેથી કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડયું હતું પણ ફરી દિલ્હીમાં બધું ઠંડુ પડી ગયુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ફ્રાન્સ યાત્રાએ જઈ રહ્યા છે અને તેમાં પરત આવશે પછી તા.20થી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. જેથી હવે ચોમાસુ સત્ર બાદ જ મંત્રીમંડળમાં ફેરફાર શકય બને તેવા સંકેતો છે. જેના કારણે જેઓ મોદી સરકારની આ બીજી ટર્મના અંતિમ છ-સાત મહિના પણ મંત્રી બનવા મળશે તેવી આશા રાખીને બેઠા હતા તેઓને નિરાશા થશે.
હાલમાં જ કેટલાક મંત્રીઓને જે રાજયોમાં ધારાસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં પ્રભારી-સહપ્રભારી નિયુક્ત કરાયા છે. રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં કેટલાક નવા ચહેરા પણ ઉમેર્યા છે પણ તેમાં કોઈ મોટો ફેરફાર નથી. કેટલાક મંત્રીઓએ સંગઠનમાં જણાવ્યું છે કે પડતા મુકાશે તેવો ભય હતો. તેઓ હાલ દિલ્હીથી દૂર હતા તેઓ ફરી પરત તેમના મંત્રાલયમાં આવી ગયા છે.