રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, ત્રણ બેઠકો પૈકી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બે દિવસ અગાઉ જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
બંને ઉમેદવારો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યા છે, તેથી બંને ઉમેદવારોને પાર્ટીને ઈનામ આપ્યું છે. બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતના આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ છે, બાબુભાઈની છાપ સામાજિક કાર્યકર્તા તરીકેની છે. કેસરીસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટના વારસદાર છે અને ક્ષત્રિય સમાજનાં મોટા આગેવાન છે. યુવા સમયથી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.