પીએમ મોદીની આ મુલાકાત ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આ દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ એમ ફાઈટર એરક્રાફ્ટને લઈને ડીલ થવાની સંભાવના છે. ભારત પોતાની નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ-M એટલે કે મેરીટાઇમ ફાઈટર એરક્રાફ્ટ ખરીદવા જઈ રહ્યું છે. આ વિમાન 5.5 અબજ ડોલર (45 હજાર કરોડ રૂપિયા)માં ઉપલબ્ધ થશે. આ સાથે 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન માટે ડીલ થઈ શકે છે.
આ રાફેલનું દરિયાઈ સંસ્કરણ હશે, જે આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્ય માટે આવી રહ્યું છે. આ માટે INS વિક્રાંતનું સમુદ્રી ટ્રાયલ પણ શરૂ થઈ ગયું છે. તેના ડેકમાંથી ફાઇટર ઓપરેશનનું પરીક્ષણ કરવાનું બાકી છે. ડીલ સીલ થયા પછી ટેકનિકલ અને ખર્ચ ઔપચારિકતાઓ પૂર્ણ થવામાં ઓછામાં ઓછો એક વર્ષ લાગશે. નિષ્ણાંતોનું કહેવું છે કે રાફેલ નેવી માટે પણ યોગ્ય છે કારણ કે એરફોર્સે રાફેલની જાળવણી સાથે સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. રાફેલ એમની પ્રથમ બેચને આવવામાં 3 વર્ષ લાગી શકે છે. વાયુસેના માટે 36 રાફેલની ડીલ 2016માં થઈ હતી અને તેને ડિલિવરી કરવામાં 7 વર્ષ લાગ્યા હતા.