ગુજરાત રાજ્યના ૧૭માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આજે જન્મદિવસ છે. ટૂંકા સમયમાં જ સરળ છતાં સુદ્રઢ નેતૃત્વ અને કુશળ વહિવટકર્તા તરીકે છાપ ઉભી કરનાર ભુપેન્દ્રભાઈ પટેલે વહીવટીતંત્રને પણ એક નવી ગતિથી દોડતું કરીને પોતાની ક્ષમતા સાબીત કરી દીધી છે.
પૂ. દાદા ભગવાનના અનુયાયી તરીકે તેઓ જાણીતા છે અને તેથી જ તે શ્રદ્ધા તેમને અપૂર્વ બળ અને જુસ્સો આપે છે. છેલ્લી ચૂંટણીમાં ગુજરાતમાં ૧૫૬ બેઠકો પર ભાજપનો વિજયએ જનતાનો ભાજપ અને ભુપેન્દ્ર પટેલ સરકારમાં વિશ્વાસનું પણ પરિણામ હતું તેમ કહીએ તો ખોટું નથી.
ખૂબજ સરળ-સૌમ્ય અને સૌની સાથે મળી જાય તેવું વ્યક્તિત્વ ઉપરાંત સૌના સી.એમ. બની રહેવામાં તેમની જે સ્વભાવગત વૃતિ છે તે જ તેમને સફળતા અપાવે છે. ૨૦૧૭માં પ્રથમ વખત ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયા બાદ સપ્ટેમ્બર ૨૦૨૧માં ભુપેન્દ્રભાઈ પટેલને ભાજપ નેતૃત્વએ નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સોંપવાનો ર્નિણય કર્યો હતો. સિવિલ એન્જીનીયર એવા ભુપેન્દ્રભાઈ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તથા અમદાવાદ શહેરી વિકાસ સતામંડળ (ઔડા)ના ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો.
૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પ્રથમ વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની આ નવી ભૂમિકા દરમ્યાન ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ લઇ જવા માટે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
૧૫ જૂલાઈ, ૧૯૬૨ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્રભાઈ અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે. પોલિટિક્સ ઉપરાંત, પટેલ ક્રિકેટ અને બેડમિંટન જેવા સ્પોર્ટ્સમાં પણ ઊંડો રસ ધરાવે છે. તેઓ પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના ફોલોઅર છે. પટેલ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે.
આજે તેમના જન્મદિવસે તેઓને લીલા ગૃપના મોભી અને સૌરાષ્ટ્ર આસપાસના મેનેજીંગ તંત્રી કોમલકાંત શર્મા અને સમગ્ર લીલા પરિવારે શતઃ જીવઃ શરદઃ સાથે દિર્ઘાયુની શુભેચ્છાઓ પાઠવી છે.