જૂનાગઢમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના નામે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ બહાર આવ્યું છે. જીલ્લાની અલગ અલગ 12 સંસ્થાઓ દ્વારા ખોટા દસ્તાવેજો સાચા બતાવીને રજૂ કરી સરકાર સાથે રૂપિયા 4.60 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના ચેકો મેળવીને વિદ્યાર્થીઓને તે રકમ આપવામાં આવી ન હતી, સમગ્ર મામલે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક દ્વારા 12 સંસ્થાના આચાર્ય અને ટ્રસ્ટીઓ વિરૂધ્ધ જૂનાગઢના સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાય છે.
જૂનાગઢ જીલ્લામાં વર્ષ 2014 થી 2016 દરમિયાન જીલ્લાના અલગ અલગ તાલુકામાં આવેલી 12 સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને સરકાર તરફથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ ના ખોટા દસ્તાવેજ બનાવી તેને સાચા તરીકે રજૂ કરીને શિષ્યવૃત્તિની રકમના ચેક મેળવી તે રકમની ઉચાપત કરવામાં આવી હતી, 12 સંસ્થાઓ દ્વારા કુલ મળીને રૂપિયા 4,60,38,550 ની ઉચાપત કરવામાં આવી હતી, આ અંગે અરજદાર દ્વારા ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને વિભાગ દ્વારા ખાતાકીય તપાસ કરીને રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને રીપોર્ટના આધારે વિભાગ દ્વારા જૂનાગઢ કચેરીને પોલીસ ફરીયાદ કરવા માટેની સૂચના કરવામાં આવતાં સ્થાનિક કચેરી દ્વારા પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જૂનાગઢ જીલ્લાની જે 12 સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે તે તમામ સંસ્થાઓ હાલ બંધ હાલતમાં છે, જે તે સમયે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના રૂપિયાની રકમના ચેક જે તે સંસ્થાઓને આપવામાં આવતાં હતાં અને ત્યારબાદ જે તે સંસ્થા તેનો રોકડ ઉપાડ કરી વિદ્યાર્થીઓને ચૂકવતા હતા. વર્ષ 2017-18 થી સરકાર દ્વારા શિષ્યવૃત્તિની રકમ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવે છે. વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા હેતુ સરકાર દ્વારા હવે શિષ્યવૃત્તિની રકમ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવે છે, આ ઘટના નવ વર્ષ અગાઉની હોવાથી તે સમયે ઓનલાઇન રકમ જમા થતી ન હતી તેથી તેની ઉચાપત કરી લેવામાં આવી, વધુમાં અરજદાર દ્વારા આ અંગે ફરીયાદ કરવામાં આવી હોય વિભાગીય તપાસના અંતે તમામ 12 સંસ્થાના આચાર્ય અને હોદેદારો તેમજ જવાબદાર લોકો સામે સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે જેની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.