અમદાવાદના ઈસ્કોન બ્રીજ દુર્ઘટનામાં 9 નિર્દોષોના મૃત્યુ થયાં બાદ આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે હાજર લોકોએ અકસ્માત સર્જનારા તથ્ય પટેલની ધોલાઈ કરી હતી જે બાદ તેને સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. અહીં તેની સારવાર પૂર્ણ થયાં બાદ પોલીસે તેનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 1 DCP, 1 ACP અને 5 PI નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટીમ દ્વારા એક અઠવાડિયા માં ચાર્જશીટ રજૂ કરાશે.
આ કેસમાં સામે આવતી જાણકારી અનુસાર નબીરા તથ્ય પટેલે સ્વીકાર્યું હતું કે, તેની સ્પીડ 120 ઉપર હતી અને જેગુઆર કારમાં પાંચ સીટીંગ હોવા છતાં ગાડીમાં 6 લોકો બેઠા હતા. પિતા-પુત્રએ મીડિયાના કેમેરા સામે મૃતકોના પરિવારજનોની માફી માંગી હતી.સાથે જ બન્નેએ કેમેરા સામે ઉઠક-બેઠક કરી હતી. મહત્વપૂર્ણ વાત એ હતી કે એકાદ કલાક પહેલા જ તથ્યએ કહ્યું હતું કે થાય એ કરી લો.
રિકન્સ્ટ્રકશનની ઘટના બાદ પોલીસે મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે, FSL અધિકારીની વિઝિટ થઈ તેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે તેના આધારે ચાર્જશીટમાં ગુનાની ગંભીરતા લેશું. આ કેસની ગંભીરતાને લઈ નાનામાં નાની બાબત ચકાસીને કેસની તપાસ કરીશુ. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ટ્રાફિક શાખામાં પોલીસ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા છે. તથ્ય પટેલ જેગુઆર કાર પૂરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને 9 જેટલા લોકોને 120 ફૂટ જેટલા ઢસડયા હતા. જ્યારે અકસ્માત બાદ આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળે આવી અનેક લોકોને ધાક ધમકીઓ આપી ગાળો આપી હતી. તેમજ પિતા પ્રજ્ઞેશ પટેલે પુત્ર તથ્યને અકસ્માત સ્થળેથી ભગાડ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ કેસમાં પોલીસે પિતા પુત્ર બંનેની કરી ધરપકડ કરી છે.